તામિલનાડુ રાજ્યના રામનાથપુરમ જિલ્લામાં કપાસના ખેડૂતોને આગામી સપ્તાહમાં તેમના પાકના સારા ભાવ મળવાની આશા છે. વાસ્તવમાં જિલ્લામાં કપાસના પાકની લણણી ઝડપી ગતિએ ચાલી રહી છે. જેના કારણે ખેડૂતોમાં ફરી એકવાર ભાવ વધવાની આશા જાગી છે. હાલમાં કપાસ સરેરાશ રૂ. 65 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યો છે, જ્યારે ગત વર્ષે આ જ સિઝનમાં રૂ.103 પ્રતિ કિલો સુધી ભાવ વધી ગયો હતો.
રામનાથપુરમના ખેડૂત બક્કીનાથને જણાવ્યું હતું કે, “ગયા વર્ષે, લણણીના પ્રારંભિક તબક્કે ભાવ રૂ. 100 પ્રતિ કિલોથી ઉપર હતા, પરંતુ સિઝનના અંતે તે ઘટીને રૂ. 65 પ્રતિ કિલો થઈ ગયા હતા. હવે, પ્રારંભિક તબક્કે ભાવ 65 રૂપિયા છે. અમને આશા છે કે આવનારા અઠવાડિયામાં આમાં વધારો થશે."
જિલ્લામાં ડાંગર અને મરચાં પછી સૌથી વધુ ઉગાડવામાં આવતો પાક હોવાથી આ વર્ષે લગભગ 8,800 હેક્ટરમાં કપાસનું વાવેતર થયું હતું. કપાસની ખેતી સામાન્ય રીતે બે સિઝનમાં થાય છે; પ્રથમ સીઝન જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં શરૂ થાય છે અને એપ્રિલ સુધી ચાલે છે.
કૃષિ અધિકારીઓએ જણાવ્યું હતું કે આ વર્ષે કપાસના વાવેતર હેઠળના વિસ્તારમાં વધારો થયો છે કારણ કે ગયા વર્ષે પાકના ઊંચા ભાવો મળ્યા હતા. આ વર્ષે કુલ પાક 2 લાખ મેટ્રિક ટનને પાર કરે તેવી શક્યતા છે. હાલમાં, ખેડૂતો તેમની ઉપજ વેચવા માટે નિયંત્રિત બજારો પસંદ કરી રહ્યા છે. ગયા વર્ષે, સિઝન દરમિયાન 1.4 લાખ ટનથી વધુ કપાસની લણણી કરવામાં આવી હતી અને નિયંત્રિત બજારોમાં વેચવામાં આવી હતી.