બોટાદ APMC માં નવા કપાસ સિઝનની શરૂઆત : પ્રથમ દિવસે 20 કિલો કપાસના ભાવ ₹1500 થી ₹2100
બોટાદ APMC માં આજે નવા સિઝનની કપાસ હરાજીની શરૂઆત થઈ. પ્રથમ જ દિવસે કપાસના ભાવ 20 કિલો દીઠ ₹1500 થી ₹2100 વચ્ચે રહ્યા. દસથી વધુ વેપારીઓએ પરંપરા મુજબ મુહૂર્ત કાઢીને ખરીદીની શરૂઆત કરી.
શુભ પ્રસંગે APMC અધ્યક્ષે ખેડૂત અને વેપારીઓને મિઠાઈ વહેંચીને સિઝનની સારી શરૂઆત માટે શુભેચ્છાઓ પાઠવી. અંદાજ છે કે આ વખતે માર્કેટ યાર્ડમાં એક લાખ મણથી વધુ કપાસનું આગમન થશે.
ગયા વર્ષે કપાસનો ભાવ ₹1400 થી ₹1500 વચ્ચે રહ્યો હતો અને CCI એ ₹1533 ના દરે ખરીદી કરી હતી. આ વખતે CCI એ ₹1600 પ્રતિ 20 કિલો ના દરે કપાસ ખરીદવાનો નિર્ણય કર્યો છે. સારી વરસાદી સીઝનને કારણે ઉત્પાદન વધ્યું છે, જેના લીધે ખેડૂતની આવકમાં પણ વધારો થવાની આશા છે.
વેપારીઓનું માનવું છે કે જો સરકાર કપાસની નિકાસ કરે તો ભાવમાં વધારો થઈ શકે છે, નહીં તો બજારભાવ આશરે ₹1600 પ્રતિ 20 કિલો પર સ્થિર રહેવાની શક્યતા છે. ખેડૂતોએ પણ આશા વ્યક્ત કરી છે કે આવતા દિવસોમાં તેમને વધુ સારા ભાવ મળશે.