ગુજરાત : 12,950 હેક્ટરમાં ખેડૂતોએ કરી પાકની વાવણી, સૌથી વધુ કપાસના પાકનું વાવેતર
2025-06-26 12:30:44
ગુજરાતમાં ખરીફ વાવણી શરૂ, કપાસ ટોચ પર
વડોદરા : ભારત કૃષિપ્રધાન દેશ હોવાથી કૃષિ ક્ષેત્રે સારો વરસાદ અનિવાર્ય છે. ધરતીપુત્રો આતુરતાપૂર્વક વરસાદની રાહ જોતા હોય છે. આ વર્ષે આકાશી કંચન વરસી રહ્યો હોવાથી વડોદરા જિલ્લાના ખેડૂતોમાં હર્ષોલ્લાસનો માહોલ છવાયો છે. ચાલુ ખરીફ સિઝનમાં અત્યાર સુધીમાં જિલ્લામાં 12,950 હેક્ટર કૃષિ વિસ્તારમાં વાવણી પૂર્ણ થઈ ચૂકી છે.
વડોદરા જિલ્લામાં કુલ 12,950 હેક્ટરમાં થયેલા ખરીફ પાકના વાવેતરમાં 8,891 હેક્ટર જમીનમાં કપાસનું વાવેતર થયું છે, જે સૌથી વધુ છે. આ ઉપરાંત 2,042 હેક્ટર જમીનમાં ઘાસચારાનું વાવેતર કરવામાં આવ્યું છે. શાકભાજીનું વાવેતર 1,781 હેક્ટરમાં, સોયાબીનનું 125 હેક્ટરમાં અને તુવેરનું 60 હેક્ટરમાં વાવેતર કરાયું છે. જ્યારે 1-1 હેક્ટરમાં કેળ અને પપૈયાનું વાવેતર કરવામાં આવ્યું છે.
તાલુકા પ્રમાણે ખરીફ પાકનો વાવેતર વિસ્તાર જોઈએ તો ડભોઈમાં 4,201, ડેસરમાં 49, કરજણમાં 1,363, પાદરામાં 4,399, સાવલીમાં 552 અને શિનોરમાં 2,386 હેક્ટર જમીનમાં વાવણી થઈ ચૂકી છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા થયેલા સુદ્રઢ આયોજનને પગલે ખેડૂતોને ખાતરો મેળવવામાં કોઈ તકલીફ પડી નથી. બીજી તરફ આકાશમાંથી વરસી રહેલા કંચન સમાન વરસાદ વરસતા વેંત ધરતીપુત્રોએ અન્નના એક કણને મણ સ્વરૂપ આપવા ઉત્સાહભેર કામગીરી હાથ ધરી છે.