ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં કપાસના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે, જેમાં વિવિધ સ્થળોએ તાજેતરમાં વધારો જોવા મળ્યો છે. ગયા સપ્તાહે ભાવમાં થોડો ઘટાડો થયો હોવા છતાં ચાલુ સપ્તાહમાં કપાસના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. 6 માર્ચે ગુજરાત યાર્ડમાં કપાસના ભાવ 1600 રૂપિયાની આસપાસ પહોંચી ગયા હતા.
સાવરકુંડલા માર્કેટીંગ યાર્ડ ખાતે કપાસના ભાવ રૂ.1300 થી રૂ.1595 સુધીની વચ્ચે કપાસની 1150 મણની આવક નોંધાઇ હતી. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં પણ કપાસની મજબૂત આવક નોંધાઈ હતી, જેમાં ભાવ રૂ. 1030 થી રૂ. 1623 પ્રતિ મણ હતા.
સૌરાષ્ટ્રના સૌથી મોટા કોટન યાર્ડ બોટાદ ખાતે રૂ.1216 થી રૂ.1664 પ્રતિ મણ સુધીના ભાવ નોંધાયા હતા. વધુમાં, મહુવા યાર્ડમાં કપાસની 31 ગાંસડીની આવક જોવા મળી હતી અને ભાવ રૂ. 801 થી રૂ. 1401 પ્રતિ મણ વચ્ચે બોલાયા હતા.
જામનગરમાં કપાસના ભાવ રૂ.1100થી વધીને રૂ.1620 થતાં કુલ 9790 મણની આવક થઈ હતી. રાજકોટ યાર્ડમાં 2400 ક્વિન્ટલ કપાસની આવક જોવા મળી હતી, જેના કારણે ખેડૂતોને 1450 થી 1605 રૂપિયા પ્રતિ મણનો ભાવ મળ્યો હતો.